

શું ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ ક્ષેત્રના વ્યવસાયી પોતાની વ્યસ્ત દીનચર્યામાંથી પરિવાર માટે થોડો સમય કાઢી શકે ખરાં ? ઉપરાછાપરી મિટિંગ્સ, નવા પ્રોજેક્ટ માટેની યોજના, ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપવાની ચિંતા અને બદલાતી ટેક્નોલોજી સાથે અપડેટ રહેવાની ફિકરની સાથે સતત માનસિક દબાણ વચ્ચે જીવન જીવવું ખરેખર વાજબી છે ખરું ? કારકિર્દીના ત્રણ-ત્રણ દાયકા પછી મનમાં ઉઠેલા આવા સવાલોના જવાબ શોધવાની ચળવળે
ડૉ. પરાગ દવેને ‘Busy Is a State of Mind’ જેવા અદ્ભૂત પુસ્તકની રચનાની પ્રેરણા આપી હતી.
સમયનો વેડફાટ તો નાના બાળકને પણ આવડે. પરંતુ એનો સદઉપયોગ કેવી રીતે કરવો ? આવા અઘરા સવાલનો જવાબ મેળવવાની સતત મથામણ
ડૉ. પરાગને વધુ કાર્યક્ષમ બનાવે છે. કલ્પના કરો કે, તમે તમારા પોતાના વ્યવસાયમાં સમયનો સદઉપયોગ શીખી જાવ તો કેટલો ફાયદો થાય ?
પી.ડબલ્યુ.સીના પાર્ટનર તરીકે તેમનું કામ ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ્યુનિકેશનના ગ્રાહકોના પોર્ટફોલિયોનું મેનેજ કરવાનું છે. જેમાં તેઓ ગ્રાહક કંપનીની સમસ્યાને બરાબર સમજ્યા પછી તેના સચોટ અને અસરકારક ઉકેલ માટે ટેક્નોલોજી સોલ્યુશન્સની ભલામણ કરે છે.
મશીન મેન્ટેનન્સથી શરુ થયેલી એમની કારકિર્દી હવે અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સુધી પહોંચી ગઈ છે. ગ્રાહકોને તેમનો બિઝનેસ વધુ વ્યાપક બનાવવામાં કઈ ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે ? તેનું સોલ્યુશન આપવાનું કામ એમનું છે. એમનું ટેક્નીકલ બેકગ્રાઉન્ડ એમને એમના કન્સલ્ટિંગના કામમાં વધુ કુશળ બનાવે છે. ટેક્નોલોજી પરત્વે તેમનું યોગદાન હવે, ઈનોવેશન તરફ આગળ વધી રહ્યુ છે.
ડૉ. પરાગ અને તેમના સહયોગીઓએ ટેક્નોલોજી ક્ષેત્રમાં બબ્બે યુ. એસ. પેટન્ટ મેળવી લીધા છે. જેમાં એપ્લિકેશન મેનેજમેન્ટ અને ક્લાઉડ રિસોર્સ યુટિલાઈઝેશનનો સમાવેશ થાય છે. વર્ષ 2019માં તેમને બંને પેટન્ટ મળ્યા હતા. જે તેમની કારકિર્દી માટે સૌથી મહત્વની સિધ્ધી ગણી શકાય.
માત્ર વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવાની એમની આદત નથી. એમને પ્રાણિક હિલીંગ અને મેડિટેશનનો પણ જબરદસ્ત ક્રેઝ છે. પોતાના જીવન કે, વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓનો હલ શોધવા માટે તેઓ હંમેશા ડીપ મેડિટેશનનો સહારો લે છે. એમને વિશ્વાસ છે કે, ડીપ મેડિટેશન દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.
ડૉ. પરાગને ક્રિકેટ, હોકી, ગોલ્ફ, ફૂટબોલ અને ફોર્મ્યુલા વન જેવી રમતોના પણ શોખીન છે. અમેરિકામાં સ્થાયી થયા પછી તેઓ અમેરિક ફૂટબોલમાં પણ ઈન્ટરેસ્ટ રાખતા થયા છે. NFLની 32 ટીમોના હોમ ટાઉનમાં અલગ-અલગ મેચો જોઈને પોતાના કલેક્શનમાં 32 કેપ ભેગી કરવાની એમની મહેચ્છા છે. અત્યાર સુધીમાં તેમણે NFLની જુદીજુદી મેચો જોઈને કુલ 7 કેપ્સ કલેક્ટ કરી લીધી છે.
કોલેજના જૂના મિત્રોને મળવાનું એમને ખુબ ગમે છે. વર્ષ 2022માં જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાયો ત્યારે તેની મેચો જોવા માટે તેઓ ખાસ ત્યાં ગયા હતા. તે વખતે તેમની સાથે એમના કોલેજના મિત્રો પણ હતા. તેમનો આ પ્રવાસ માત્ર ક્રિકેટની મેચો જોવા પૂરતો નહીં પણ જૂના મિત્રો સાથે હળવાશની પળો માણવાનો હતો. ત્યાં તેમણે ક્રિકેટ મેચો જોવા સાથે ભૂતકાળના પ્રસંગો યાદ કર્યા અને મિત્રો સાથે ખુબ મજા કરી હતી. જીવનમાં હળવાશ લાવવાનો આ એક પ્રયત્ન હતો. અને તેમાં તેઓ બિલકુલ સફળ થયા હતા. ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન તેઓ ઘણા શહેરોમાં ફર્યા અને ત્યાં રહેતા પરિચીતોને પણ મળ્યા હતા. જૂના મિત્રો કે, સંબંધીઓને મળવાની એકપણ તક તેઓ આજે પણ ચુકતા નથી.

જીવનનો શ્રેષ્ઠ તબક્કો એટલે બાળપણ..!! નિર્દોષ, નિખાલસ, નિષ્કપટ બાળપણ..!! જિંદગીમાં શિસ્ત, સંસ્કાર અને સંયમના વાવેતરની ઋતુ એટલે બાળપણ..!! ભણતર, ગણતર અને ઘડતરનો ત્રિવેણી સંગમ એટલે બાળપણ..!! પિતાનો પ્રેમ, માતાની મમતા, દાદીની હૂંફ, દીદીની ધાક અને મિત્રો સાથેની મસ્તી એટલે બાળપણ..!!
કહેવાય છે કે, ” ઉગતો છોડ અને નાનું બાળક વાળો તેમ વળે. ” નાનપણમાં જ ડૉ. પરાગ દવેના આદર્શ ચરિત્ર અને સોનેરી ભવિષ્યનું બીજારોપણ થયું હતુ. શિસ્ત, શિષ્ટાચાર, સંસ્કાર અને સંયમ જેવા ચાર મજબૂત પાયા ઉપર એમના જીવનનું ઘડતર થયુ હતુ.
મુંબઈના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ડૉ. પરાગના જીવનનો પ્રારંભીક તબક્કો ખૂબ જ આનંદમય અને સુખમય રહ્યો હતો. એમના પિતા હરેશ દવે બેંકમાં કામ કરતા હતા. તેમનો સ્વભાવ અત્યંત મૃદુ અને મળતાવડો હતો. એક આદર્શ પિતા તરીકે તેમણે સંતાનોમાં ઉચ્ચતમ મૂલ્યોનું સિંચન હતુ.
તેઓ પહેલેથી જ શિસ્તના પરમ આગ્રહી હતા. એમનું દ્રઢપણે માનવુ હતું કે, નીરોગી જીવન જીવવું હોય તો સવારે વહેલા ઉઠવું જોઈએ. “રાત્રે વહેલા જે સુવે..વહેલા ઉઠે વીર..બળ, બુદ્ધિ ને ધન વધે..સુખમય રહે શરીર.” ગુજરાતી ભાષાની આ પંક્તિને એમણે જીવનમાં વણી લીધી હતી.
તેઓ રોજ સૂર્યોદય પહેલા ઉઠી જતા અને સંતાનોને પણ ઉઠાડી દેતા. સ્વાભાવિક છે કે, સવારે વહેલા ઉઠવું હોય તો રાત્રે સમયસર ઉંઘી પણ જવુ પડે..!! તમે માનશો નહીં પણ વહેલા ઉઠવાની બાળપણની ટેવ ડૉ. પરાગ દવેને આજે પણ છે. રવિવારનો દિવસ હોય કે, પછી જાહેર રજા હોય, ડૉ. પરાગ આજે પણ સૂર્યોદય પહેલા પથારી છોડી દે છે.
બાળપણને યાદ કરતા તેઓ કહે છે કે, અમે જ્યારે નાના હતા ત્યારે પપ્પાએ અમને વહેલા ઉઠવાની હેબિટ પાડી હતી. સૂર્યોદય પહેલા ઉઠવુ અને રાત્રે વહેલા ઉંઘી જવું એ અમારી જીવનશૈલીનો એક મહત્વનો હિસ્સો હતો. મને અને મારી બહેનને વહેલા ઉઠવાની એવી ટેવ પડી ગઈ હતી કે, સ્કૂલમાં રજા હોય તે દિવસે પણ અમે સવારે છ વાગ્યાની આસપાસ ઉઠી જતા. વહેલા ઉઠવું અમારા પરિવાર માટે લગભગ ફરજીયાત હતુ. અમે ભલે મોટા થઈ ગયા હોય પણ વહેલા ઉઠવાનો શિરસ્તો અમારા પરિવારમાં આજદીન સુધી યથાવત છે.
અમારા પરિવારમાં રાત્રિ ભોજનનો સમય સાડા આઠ વાગ્યાનો હતો. ઘડિયાળમાં સાડા આઠનો ટકોરો વાગે એટલે અમે બધા થાળી પાસે ગોઠવાઈ જતા. અમારા માટે જમવાનું માત્ર પેટ ભરવા પૂરતું સીમિત ન હતુ. પણ ભોજનને બહાને અમે બધા ભેંગા થતા અને વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરતા. અમારા માટે ડિનરનો ટાઈમ એટલે ગોળમેજી બેઠક..!! અમારે માટે ડિનર એટલે માત્ર પેટ ભરવાની પ્રક્રિયા જ નહીં પણ પેટ છૂટી વાત કરવાની તક પણ હતી.
અમારી બીજી એક ટેવ બહુ જ સરસ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અમારા પરિવારમાં એવો નિયમ હતો કે, જો કોઈને કોઈપણ વાતનું માઠું લાગે અથવા અણગમો થાય તો તાત્કાલિક ચર્ચા કરીને એનો નિવેડો લાવી દેવો.
અમે અમારી વચ્ચેના મતભેદનો ઉકેલ તાત્કાલિક લાવી દેતા. અમે એકબીજા સાથે ચર્ચા કરતા અને વાતનો છેડો કરી દેતા. મારા પપ્પાનું માનવું હતુ કે, દિવસભરની ચિંતાનો રાત પહેલા ઉકેલ લાવી દઈએ તો ઉંઘ સારી આવે અને બીજો દિવસ સારો જાય. એમની આ ફિલસૂફી અત્યારે મને કામમાં લાગે છે.

ડૉ. પરાગ દવે બાળપણથી જ ખુબ જીજ્ઞાસુ હતા. કોઈપણ વસ્તુ કે, મશીન કેવી રીતે કામ કરે છે ? તે જાણવાની ઉત્કંઠા તેમને પહેલેથી જ રહેતી. તેઓ જ્યારે ચોથા ધોરણમાં હતા ત્યારે તેમના મનમાં સવાલ ઘુમરાયા કરતો કે, ટ્રાન્ઝિસ્ટર રેડિયોમાંથી અવાજ કેવી રીતે આવે છે ? આ સવાલનો જવાબ મેળવવા માટે તેમણે ઘણી વખત જીવતા જાગતા રેડિયોનું પોસ્ટમાર્ટમ પણ કરેલું.
મશીન કે, ટેક્નોલોજીનો અભ્યાસ કરવાની એમની ઉત્કંઠાને લીધે ઘણી વખત નુકસાન પણ વેઠવું પડતું. અને વડીલોનો ઠપકો પણ સાંભળવો પડતો. તેમ છતાંય નિરાશ કે, હતાશ થયા વિના તેમણે ક્યારેય પોતાની ઉત્કંઠાને દબાવવાની કોશીશ કરી નથી. તેઓ રોજેરોજ નવા-નવા ઉપકરણોનું ડિસેક્શન કરતા અને એને ખોલીને અંદરની સંરચના જાણવાનો પ્રયત્ન કરતા.
ઘરનું સ્વિચબોર્ડ એમને વારંવાર આકર્ષિત કરતું. એમના મનમાં સવાલ ઉઠતો કે, પંખો કે, ટ્યૂબ લાઈટ ઘણા દૂર હોય છે. છતાંય સ્વિચ ઓન કરીએ તો ઉપકરણો ચાલુ કેવી રીતે થઈ જાય છે ?
મનમાં ઉઠેલા આ સવાલથી તેમને ઈલેક્ટ્રિસિટીને જાણવામાં રસ પડવા માંડ્યો. નરી આંખે નહીં દેખાતી વિજળી (ઈલેક્ટ્રિસિટી)ને અડ્યાં વિના સમજવાની જીજ્ઞાસાએ એમના મનમાં ઘર કરી લીધું. આખરે, એમણે ઈલેક્ટ્રિસિટીનું રહસ્ય જાણવાના પ્રયાસો શરુ કર્યાં. ઘરના સ્વિચબોર્ડથી શરુ થયેલી એમની શોધયાત્રા ઘીરેધીરે એપાર્ટમેન્ટના મીટર રુમ સુધી પહોંચી ગઈ.
એમના અવનવા પ્રયોગોને લીધે ઘણી વખત એપાર્ટમેન્ટની વિજળી ગૂલ થઈ જતી. ઘણી વાર ફ્યુઝ ઉડી જતા અને ભારે નુકસાન પણ થતું. સર્કિટ જાણવામાં એમણે ઘણી વખત શોર્ટસર્કિટ પણ કરેલા. જેને લીધે તેમને વડીલોનો ઠપકો પણ સાંભળવો પડેલો.
સ્ટુડન્ટ લાઈફનું કડવું સત્ય એ છે કે, ઘણી વખત વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયમાં અભ્યાસ નથી કરી શકતા. પણ ડૉ. પરાગ એ બાબતે ખુબ જ નસીબદાર રહ્યા હતા. હકીકત એ હતી કે, એમને બાળપણમાં ઈલેક્ટ્રિસિટી જેવા જટિલ વિષયમાં રસ હતો. અને તેમણે ડિગ્રી પણ ઈલેક્ટ્રોનિક્સમાં જ હાંસલ કરી હતી.
તમને જાણી આશ્ચર્ય થશે, પણ સાતમા ધોરણ સુધીમાં તો તેમણે મનોમન નક્કી કરી લીધુ હતુ કે, ભવિષ્યમાં બીજું કંઈ નહીં પણ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવો છે. કહેવાય છે કે, ‘જ્યાં ચાહ છે ત્યાં રાહ છે.’
તેમના કેસમાં પણ કંઈ એવું જ થયુ. વાત એવી બની કે, પાડોશમાં રહેતો એક વિદ્યાર્થી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતો હતો. એના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમણે એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનો નિશ્ચય કર્યો. પણ અહીં સવાલ એ હતો કે, ડિપ્લોમા કરવું કે, પછી બેચલર ડિગ્રી મેળવવી. આખરે, વડીલોની સૂચનાને માન આપીને બેચલર ડિગ્રી પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો.
જે તે વખતે મુંબઈની કોઈપણ કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવું અઘરું હતુ. તે સમયે ધોરણ-12 સાયન્સમાં સારા ટકા લાવનારા વિદ્યાર્થીને જ મેરિટ પર ડિગ્રીમાં એડમિશન મળતુ હતુ. જેથી સારા ટકા મેળવવા માટે તેમણે ધોરણ-12માં ખુબ મહેનત કરી.
ધોરણ-12માં સારા પરસન્ટેજ લાવીને તેમણે મુંબઈની શાહ એન્ડ એન્કર કચ્છી એન્જિનિયરીંગમાં કોલેજમાં એડમિશન મેળવી લીધું. તેઓ ભણવામાં તેજસ્વી તો હતા જ અને સાથેસાથે એમનામાં પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા પણ હતી. એટલે એમણે આસાનીથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની શાખામાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી લીધી. વર્ષ 1995ની 20મી ડિસેમ્બરે બોમ્બે યુનિવર્સિટીમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં તેમને ઔપચારિક ડિગ્રી એનાયત કરવામાં આવી.
તેમને ઈલેક્ટ્રિસિટીમાં તો રસ હતો જ પણ સાથેસાથે કોમ્પ્યુટરને જાણવામાં પણ ઈન્ટરેસ્ટ હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે, ભવિષ્ય તો કોમ્પ્યુટરનું જ છે. તેમના માટે મુંઝવણ એ વાતની હતી કે, તેમની ડિગ્રી ઈલેક્ટ્રોનિક્સમાં હતી અને તેમને કોમ્પ્યુટર સોફ્ટવેરમાં મહારથ હાંસલ કરવી હતી. એટલે ડિગ્રીની પરવા કર્યા વિના તેમણે કોમ્પ્યુટર સોફ્ટવેરનો અભ્યાસ શરુ કરી દીધો.
એમણે યુવાનીમાં પ્રવેશતાની સાથે જ 21 વર્ષની વયે વ્યવસાયમાં પણ પગરણ માંડવાના શરુ કરી દીધા. એમને નોકરીની સાથેસાથે શિક્ષણમાં પણ આગળ વધવુ હતુ. એન્જિનિયરિંગની સાથે તેમને મેનેજમેન્ટમાં પણ ડિગ્રી હાંસલ કરવી હતી. એટલે એમણે એમબીએનો અભ્યાસ શરુ કર્યો. જોકે, સંજોગોવસાત્ તેમને એક જ વર્ષમાં એમબીએનો અભ્યાસ છોડવો પડ્યો. જેનો અફસોસ તેમને આજદીન સુધી છે.
વર્ષ 1995માં ડૉ. પરાગે પોતાની કારકિર્દીની શરુઆત વિદ્યુત મેટાલિક્સ લિમિટેડમાં ટ્રેઈની એન્જિનિયર તરીકે કરી હતી. તેમની કંપની ટોપાઝ બ્લેડ સાથે સંકળાયેલી હતી. કંપનીમાં તેમને ઈન્જેક્શન મોલ્ડિંગ મશીન પર કામ કરવાનું હતુ. થોડા જ સમયમાં તેમની કાર્યશૈલી, કર્તવ્યનિષ્ઠા અને કામ પ્રત્યેની પ્રામાણિકતાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે તેમને પ્રોડક્શન જેવા મહત્વના યુનિટમાં શિફ્ટ કર્યા હતા. તેઓ મશીનોના સમયસર મેન્ટેનન્સ પર ધ્યાન આપતા. તેમની રુચી માત્ર મશીનોમાં જ નહીં પણ તેની પાછળના કોમ્પ્યુટર સોફ્ટવેરમાં પણ વધવા માંડી. તેમને ખબર હતી કે, માત્ર ઈલેક્ટ્રોનિક્સ ઉપર આધારિત રહેવુ યોગ્ય નથી. જો આગળ આવવું હોય તો કોમ્પ્યુટરનું નોલેજ પણ લેવું પડશે. અને એટલે જ એમણે સમયનો વેડફાટ કર્યા વિના કોડિંગ શીખવાનું શરુ કર્યું.
સારા ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી માટે કોડિંગ શીખવું અગત્યનું પગલું હતુ. એક તરફ તેઓ ઈલેક્ટ્રોનિક્સમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી ચુક્યા હતા અને હવે તેઓ કોડિંગ શીખી રહ્યા હતા. જે તેમની પ્રોફાઈલ માટે મોરપીચ્છ સમાન હતુ. કોડિંગ શીખતાની સાથે જ કંપનીમાં તેમની ડિમાન્ડ વધવા માંડી. એ સમય કોમ્પ્યુટરાઈઝેશનનો હતો. ઉદ્યોગો ખુબ જ ઝડપથી કોમ્પ્યુટરાઈઝ થવા માંડ્યા હતા. તે સમયે કોડિંગ શીખેલા કર્મચારીઓની ખુબ ડિમાન્ડ હતી. ડૉ. પરાગ તો કોડિંગની સાથેસાથે ઈલેક્ટ્રોનિક્સની ડિગ્રી પણ પ્રાપ્ત કરી ચુક્યા હતા. એટલે ઈન્ડસ્ટ્રીમાં એમની શાખ પણ વધવા માંડી. વર્ષ 1996માં તેમને બીજી કંપનીમાંથી ઓફર આવી અને તેમણે એ સ્વીકારી પણ ખરી. નોકરી બદલવાનો નિર્ણય તેમની કારકિર્દી માટે ગેમચેન્જર સાબિત થવાનો હતો. વાત એવી હતી કે, તેમની નવી જોબ એપલેબ લિમિટેડ નામની કંપનીમાં સપોર્ટ એન્જિનિયર તરીકેની હતી.
આ કંપની દેશની વિવિધ બેંકો દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટિંગ સોફ્ટવેર પર કામ કરતી હતી. સપોર્ટ એન્જિનિયર તરીકે કંપનીમાં તેમનુ કામ પણ મહત્વપૂર્ણ હતુ. ધીરેધીરે તેઓ કોડિંગની સાથેસાથે પ્રોગ્રામિંગ તરફ ડગલુ માંડતા થયા.
કોમ્પ્યુટર ક્ષેત્રમાં કોડિંગની સાથેસાથે પ્રોગ્રામિંગનું પણ એટલુ જ મહત્વ હતુ. એટલે પોતાની સ્કિલ ડેવલોપ કરવા માટે તેમણે પ્રોગ્રામિંગમાં મહારથ હાંસલ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તે સમયે કોમ્પ્યુટરનું ચલણ દેશમાં રોકેટગતિથી આગળ વધી રહ્યુ હતુ. આશ્ચર્યની વાત તો એ હતી કે, જે તે સમયે કોમ્પ્યુટરમાં કોડિંગ કે, પ્રોગ્રામિંગના જાણકારો ખુબ ઓછા હતા. ડૉ. પરાગ ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ સારી રીતે સમજતા હતા. એટલે એમણે દિવસ-રાત એક કરીને પ્રોગ્રામિંગમાં માસ્ટરી મેળવી લીધી.
હવે, તેઓ પ્રોફાઈલમાં બદલાવ લાવવા માંગતા હતા. ઈલેક્ટ્રોનિક્સની સાથેસાથે કોમ્પ્યુટર સોફ્ટવેર ઉપર પણ કામ કરવા ઈચ્છતા હતા. તેઓ જાણતા હતા કે, સાહસ વિના સિધ્ધી શક્ય નથી. એટલે એમણે ફરી એકવાર નોકરી બદલી. અને હવે તેમણે કોમટેક પ્રા. લિમિટેડમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ શરુ કર્યું. આ સમયગાળો વર્ષ 1997નો હતો. જ્યારે સોફ્ટવેર એન્જિનિયરની ડિમાન્ડ ટોચ પર હતી. નવાઈની વાત તો એ હતી કે, તેમની કંપની ભલે નાની હોય પણ એનું કામ ખુબ અગત્યનું હતુ.
કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા-કરતા તેમને બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સોફ્ટવેર પર વર્ક કરવાની તક મળી. આ અનુભવ તેમની કારકિર્દીને ટોચ પર લઈ જવા માટે પૂરતો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સોફ્ટવેરમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોડિંગનું કામ કરતા-કરતા તેમને આ વિષયની સમજણને વધુ ગાઢ બનાવી.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી ખુબ જ ટૂંકાગાળામાં તેમણે ઘણી નોકરીઓ બદલી. પણ દરેક બદલાવ તેમના અનુભવમાં વધુ એક છોગું ઉમેરતો ગયો. મશીનો સાથે કામ કરવાથી માંડીને ઉત્પાદન ક્ષેત્ર સુધી અને કોમ્પ્યુટરના કોડિંગથી માંડીને પ્રોગ્રામિંગ સુધીનો તેમનો પ્રવાસ ખરેખર રોમાંચક હતો. એક ફેક્ટરીમાં ઉત્પાદનના અનુભવથી લઈને બેંકિંગ સોફ્ટવેર અને સોફ્ટવેર ડેવલોપમેન્ટ સુધીની તેમની મુસાફરી ખરેખર મહત્વપૂર્ણ હતી.
વર્ષ 1998માં તેમણે ડેટામેટિક્સ લિમિટેડ નામની એક જાણીતી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી શરુ કરી. આ ભૂમિકા તેમની કારકિર્દી માટે મહત્વનો વળાંક સાબિત થવાની હતી. કારણ કે, એમાં તેમને વિદેશમાં કામ કરવાની તક મળવાની હતી. વાત એવી હતી કે, સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે તેમને પહેલી વખત યુનાઈટેડ કિંગડમ જવાનો મોકો મળ્યો. તે સમયે યુ.કે જવાનો ચાન્સ કોઈપણ પ્રોફેશનલ માટે લોટરી સમાન હતો. ખુશીની વાત એ હતી કે, આ વખતે લોટરી ડૉ. પરાગને લાગી હતી.
યુનાઈટેડ કિંગડમ જેવા વિકસીત દેશમાં સોફ્ટવેરનું કામ કરવા મળે તે સપના જેવું લાગતુ હતુ. લગભગ પાંચેક મહિના સુધી વિદેશમાં કામ કર્યા પછી તેઓ પાછા ભારત આવી ગયા. ટૂંકો વિદેશ પ્રવાસ તેમના માટે આંતરરાષ્ટ્રિય કારકિર્દીની નેટ પ્રેક્ટિશ જેવો હતો. યુનાઈટેડ કિંગડમની યાત્રા તેમની કારકિર્દી માટે પણ ખુબ જ મહત્વની સાબિત થઈ. વાસ્તવમાં તેમણે વિદેશમાં સોફ્ટવેર ડેવલોપમેન્ટ ક્ષેત્રે ઉંડુ ખેડાણ કરી લીધું હતુ.
આભાર…એ પ્રત્યેક વ્યક્તિનો આભાર, જેણે મારા જીવનમાં પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે નાનું-મોટું યોગદાન આપ્યુ છે.
આભાર…મારો સારામાં સારો ઉછેર કરનારા અને બધી ઈચ્છાઓ પૂરી કરનારા પિતા હરેશભાઈનો આભાર.
મારામાં સંસ્કાર અને ઉચ્ચતમ મૂલ્યોનું સિંચન કરનારી જનેતા નયનાબેનનો આભાર.
મારા પ્રત્યે અખૂટ લાગણી રાખનારી બહેનનો આભાર.
પડછાયાની જેમ હંમેશા મારી સાથે રહેનારી અને સુખ-દુઃખમાં સાથ આપનારી પ્રિય પત્ની નીરાનો આભાર. જેનો ચહેરો જોઈને મારામાં નવી ઉર્જાનો સંચાર થાય તેવી વ્હાલી દીકરી ઉર્જાનો આભાર.
જેનો અવાજ સાંભળીને ભલભલું ટેન્શન હળવું થઈ જાય તેવી ઉત્સાહી દીકરી ધ્રુવીનો આભાર.
જેની ઉછળકૂદ જોઈને હળવાશ અનુભવાય તેવી પ્રિય ‘કાયા’નો ખુબ ખુબ આભાર.
મારા ગુણ-અવગુણને સહર્ષ સ્વીકારીને મારો સતત સાથ આપનારા મિત્રોનો આભાર.
મને સતત માર્ગદર્શન આપીને પ્રગતિના પંથે ટકાવી રાખનારા ગુરુજનોનો આભાર.
ખભેખભો મિલાવીને વ્યવસાયમાં મારો સાથ આપનારા પ્રત્યેક સહકર્મચારીનો આભાર.
જેમના સહકારથી હું સફળ થયો એવા પ્રિય ગ્રાહકોનો આભાર.
મારા વ્યવસાયીક જીવનમાં સહયોગ આપનારા દરેક વ્યક્તિનો આભાર.
મને આટલું સરસ જીવન આપનારા પરમ પિતા પરમેશ્વરનો આભાર…આભાર…હૃદયપૂર્વક આભાર…અંતરના ઉંડાણથી આભાર..!!
આભાર,
– ડૉ. પરાગ. એચ. દવે (એચ.સી)
AIMLAY is a leading global education platform empowering ACADEMIC and EXPERIENTIAL learners, uniquely focused on recognizing knowledge gained through experience and building a diversified community of doctorates and aspiring researchers.